રિપોર્ટ@દેશ: અમેઠીમાં પરાજય બાદ સ્મૃતિ ઈરાનીનું ભાવુક નિવેદન, 'બહેનો સાથેનો સંબંધ ત્યારે તૂટે છે જ્યારે અર્થી ઉઠે'

 
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્માને ટક્કર આપી શક્યાં નહીં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

2024ના ચૂંટણી પરિણામોમાં યુપીએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ભાજપના ઘણા કેન્દ્રીય મંત્રી પણ પોતાની બેઠક બચાવી ન શક્યાં. આ દરમિયાન સૌથી મોટું નામ સ્મૃતિ ઈરાનીનું રહ્યું. તેમને અમેઠીથી હારનો સામનો કરવો પડ્યો.ભલે તેમને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ તેમણે સંકેત આપ્યો કે તેઓ અમેઠીને છોડશે નહીં અને આગળ પણ કામ કરતા રહેશે. તેમણે પરિણામો બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જીત મેળવનાર કિશોરી લાલ શર્માને શુભકામનાઓ પણ આપી અને પોતાની ભવિષ્યની યોજનાઓ પર વાત કરી. 

સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રેસ કોન્ફરન્સના સમાપન પર કંઈક એવું કર્યું, જેની આશા કોઈને નહોતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં આમાં જ જોડાયેલા રહેશે તો તેમણે કહ્યું, 'બહેનો સાથેનો સંબંધ ત્યારે તૂટે છે જ્યારે અર્થી ઉઠે છે.' સ્મૃતિ ઈરાનીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે.આ પહેલા તેઓએ કહ્યું, 'હું તે તમામ ભાજપ પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. જેમણે અત્યંત સમર્પણ અને નિષ્ઠાની સાથે મતવિસ્તાર અને પાર્ટીની સેવામાં કામ કર્યું છે. આજે હું પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની આભારી છું કે તેમની સરકારોએ 30 વર્ષોના બાકી કાર્યોને માત્ર 5 વર્ષમાં પૂરા કર્યાં છે. હું જીતનારને શુભકામનાઓ આપું છું. હું અમેઠીના લોકોની સેવામાં રહીશ. 

ક્યારેક કોંગ્રેસનો ગઢ મનાતી અમેઠી લોકસભા બેઠક પર 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. આ વખતે કોંગ્રેસે આ બેઠક પર રાહુલ ગાંધીના સ્થાને કિશોરી લાલ શર્માને ઉતાર્યા. સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્માને ટક્કર આપી શક્યાં નહીં અને તેમને 166022 વોટથી હારનો સામનો કરવો પડ્યો.