રીપોર્ટ@દેશ: સોનિયા ગાંધીની નાગરિકતાનો ફરી વિવાદ શરૂ, દિલ્હી કોર્ટે મોકલી નોટિસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે તેમની નાગરિકતાની પુષ્ટિ પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ કરાયું હોવાના દાવા કરતી અરજીના પગલે સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. અરજદારે દાવો કર્યો છે કે, તેમનું નામ 1980-81ની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે સોનિયા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. વાસ્તવમાં અરજદાર વકીલ વિકાસ ત્રિપાઠીએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરેલી અરજી 11 સપ્ટેમ્બરે રદ કરાઈ હતી.
આ મામલે સ્પેશિયલ ન્યાયાધીશ વિશાલ ગોગને સુનાવણી હાથ ધર્યા બાદ સોનિયા ગાંધી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. દિલ્હી કોર્ટે સરકારને નોટિસ પાઠવીને આખા કેસને રેકોર્ડ મંગાવ્યો છે. કોર્ટે આગામી સુનાવણી છ જાન્યુઆરીએ હાથ ધરવાનો અને સોનિયા, રાજ્ય સરકાર તેમજ ચૂંટણી અધિકારીોને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સમગ્ર બાબતને ધ્યાને લઈને તમામ પ્રતિવાદીઓને નિશ્ચિત કરેલી તારીખ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.અરજદારે દાવો કર્યો છે કે, 1983માં ભારતીય નાગરિક બન્યા તો 1982ની મતદાર યાદીમાં નામ કેવી રીતે આવી ગયું? અરજીમાં દાવો કરાયો છે કે, ‘સોનિયા ગાંધી 1983માં ભારતીય નાગરિક બન્યા હતા, પરંતુ તેમનું નામ 1982માં જ મતદાર યાદીમાં આવી ગયું હતું. દિલ્હીની નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં 1980માં જ તેમનું નામ સામેલ હતું, પણ તેઓ તે વખતે ભારતના નાગરિક ન હતા. તેમનું નામ મતદાર યાદીમાંથી 1982માં હટાવાયું હતું અને પછી 1983માં ફરી જોડવામાં આવ્યું હતું.
સોનિયા ગાધીએ ભારતીય નાગરિક બનવા માટે એપ્રિલ-1983માં અરજી કરી હતી તેઓ 1983માં ભારતીય નાગરિક બન્યા હતા, તેથી મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે કેટલાક નકલી દસ્તાવેજ અપાયા હશે, જે એક ગુનો છે. તેથી કોર્ટ સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપે.’ ફરિયાદમાં કહેવાયું છે કે, સોનિયા ગાંધી મૂળ ઈટાલીના નાગરિક છે. તેમનું નામ જાન્યુઆરી-1980માં મતદાર યાદીમાં કથિત રીતે સામેલ કરાયું હતું. જ્યારે નાગરિકતા અધિનિયમ-1955 મુજબ તેમને થોડા સમય બાદ 1983માં નાગરિકતા મળી હતી. ફરિયાદમાં અનિયમિતતાની તપાસ કરવા તેમજ સંબંધિત અધિકારીઓને ગેરકાયદેસર નોંધણી માટે જવાબદાર ઠેરવવા માંગ કરાઈ છે.

