રીપોર્ટ@દેશ: રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ થશે અને આ દરમિયાન ચાર મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોથી અભિષેક કરાશે. ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવશે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવશે. દર્શન સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. રામનવમી માટે VIP પાસ બનાવવામાં આવ્યા નથી.
સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવશે. મધ, દૂધ, ઘી, સરયુ જળ અને સુગંધથી અભિષેક થશે. આ સમયગાળા દરમિયાન પણ દર્શન અને પૂજા ચાલુ રહેશે. એક કલાકના આ વિશેષ અભિષેક પછી, પાંચ મિનિટ માટે પડદો પડી જશે. આ પછી, ભગવાનને વિશેષ શણગાર કરાશે. રામલલાને એક કલાક સુધી શણગારવામાં આવશે. પોણા 12 વાગ્યે પટ બંધ થઈ જશે. રામલલાને 56 પ્રસાદ ચઢાવવામાં આવશે.રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 12:04 વાગ્યા સુધી સૂર્ય કિરણો કપાળની બરાબર મધ્યમાં રહેશે. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રહેશે. રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈ શકશે.
સમગ્ર રામલલા મંદિર સંકુલને ચમકતી ગુલાબી LED લાઇટથી ઝળહળતું કરવામાં આવ્યું છે.શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા સરયુનું પવિત્ર જળ રામપથ પર છાંટવામાં આવશે. આ ઉપરાંત રામકથા પાર્કમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રામ નવમી પર અયોધ્યા આવતા ભક્તો સરયુ નદીમાં ધાર્મિક સ્નાન પણ કરે છે.