રિપોર્ટ@દેશ: સુનિતા વિલિયમ્સે 8મી વખત સ્પેસવૉક કરી રેકોર્ડ સર્જ્યો, જાણો વિગતે

 
સુનીતા વિલિયમ્સ
આ સ્પેસવૉક લગભગ સાડા છ કલાક સુધી ચાલ્યું હતું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુનિતા વિલિયમ્સ ઘણાં મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. આ દરમિયાન નાસાએ તેમનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ સ્પેસ વૉક કરતાં દેખાઈ રહ્યા છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સ્પેસવૉક કર્યું હતું. આ દરમિયાન તેમના સાથી અવકાશયાત્રી નિક હેગ પણ તેમની સાથે હતા. આ સાથે સુનિતા વિલિયમ્સ સૌથી વધુ વયે સ્પેસવૉક કરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી બની ગયા છે.  તેમણે આ સિદ્ધિ 59 વર્ષ અને 119 દિવસની વયે આઠમી વખત સ્પેસવૉક કરી આ સિદ્ધિ મેળવી હતી. 

નાસાએ બંનેના સ્પેસવૉકના લાઇવ ફૂટેજ શેર કર્યા છે. આ સ્પેસવૉકનો હેતુ ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર (NICER) એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરવાનો હતો. આ મિશનનું નામ 'યુએસ સ્પેસવૉક-91' હતું. સુનિતા વિલિયમ્સે તેમની કારકિર્દીમાં 8મી વખત સ્પેસવૉક કરી રેકોર્ડ બનાવી દીધો હતો. જ્યારે હેગએ ચોથી વખત સ્પેસવૉક કર્યું. આ સ્પેસવૉક લગભગ સાડા છ કલાક સુધી ચાલ્યું હતું. સ્પેસવૉક દરમિયાન સુનિતા અને તેમના સાથી નિક હેગે ISS ના બાહ્ય ભાગનું સમારકામ કર્યું. તેમાં સ્ટેશનના દિશા શોધવાના સાધનોનું સમારકામ, NICER એક્સ-રે ટેલિસ્કોપ પર લાઇટ ફિલ્ટર્સ પેચ કરવા અને ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર પર રિફ્લેક્ટર ડિવાઇસ બદલવા જેવા કાર્યો કરવામાં આવ્યા હતા.

સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી સ્પેસવૉક કર્યું હતું. તે એક્સ્ટ્રાવ્હીક્યુલર એક્ટિવિટીઝ (EVA) માં કુશળતા માટે જાણીતા છે, જે ISS ના સંચાલન અને અપગ્રેડ માટે મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે મે મહિનામાં નાસાએ અવકાશયાત્રીઓના સ્પેસવૉક અટકાવી દીધા હતા કેમ કે અવકાશયાત્રીઓના સૂટના કૂલિંગ લૂપના એરલૉકમાંથી પાણી લીક થવા લાગ્યું. આ સમસ્યાના નિકાલ બાદ પ્રથમ વખત કોઈ અવકાશયાત્રીએ સ્પેસવૉક કર્યું હતું.