રીપોર્ટ@દેશ: સુનીતા વિલિયમ્સ 'ડ્રેગન'માં બેસી પૃથ્વી માટે રવાના, 17 કલાક બાદ કરશે લેન્ડિંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન આજે સવારે 10.35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું. નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરીક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા.
હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસ એક્સે મિશન શરૂ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અંતરીક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરીક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે 17 કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર 19 માર્ચે વહેલી સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે. ચાર અંતરીક્ષયાત્રીઓ ડ્રેગન અંતરીક્ષ યાનમાં સવાર થયા અને હેચ બંધ કર્યું
ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે. અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરીક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવશે. જે બાદ ચારેય અંતરીક્ષયાત્રીઓને જોનસન સ્પેસ સેંટર, હ્યુસ્ટન રવાના કરી દેવાશે. અંતરિક્ષયાત્રીઓ ત્યાં જઈને રહે છે અને પ્રયોગો કરે છે. ત્યાંનું જીવન પૃથ્વીથી સાવ અલગ છે. ત્યાંનો દિવસ ફક્ત 45 મિનિટનો હોય છે અને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે.