રિપોર્ટ@દેશ: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

 
મુલાકાત
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે PM મોદીને ટ્રોફી સોંપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી. આજે સવારે 6 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાનને ટ્રોફી સોંપી હતી.

PM નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થઈ હતી. ટીમ આજે સાંજે મુંબઈમાં વિશ્વ વિજેતા ટીમ  વિજય પરેડમાં ભાગ લેશે. અગાઉ આજે વહેલી સવારે રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈન્ડિયન ક્રિકેટ ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ઈતિહાસ રચી દીધો હતો. અને ટીમ T20માં બીજી વખત ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી વિજય મેળવ્યો હતો. આ પહેલા ભારતીય ટીમ 2007નો T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. આ ઉપરાંત ભારતીય ટીમે 1983 અને 2011માં વનડે વર્લ્ડ કપમાં પણ વિજેતા બની છે. આ વખતે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે.