રિપોર્ટ@દેશ: અમેરિકામાં ફરી એકવાર મંદિર પર હુમલો, ભારતવિરોધી નારા અને સૂત્રો લખ્યાં

 
દેશ
આ વખતે ચિનો હિલ્સની ઘટના BAPS મંદિરમાં બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકામાં ફરી એકવાર દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું અને દિવાલો પર ભારતવિરોધી નારા લખી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં આ મંદિર પર હુમલાની બીજી ઘટના હતી. BAPS સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે હિન્દુ સમુદાયના લોકો વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરતાં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા અમારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું.

BAPS એ આ મામલે એક પોસ્ટ કરતાં કહ્યું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ. અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. અમેરિકામાં હિન્દુઓના ગઠબંધનએ આ ઘટનાની ટીકા કરતાં એક પોસ્ટ કરી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરાયો હતો. પોસ્ટમાં લખ્યું કે આ વખતે ચિનો હિલ્સની ઘટના BAPS મંદિરમાં બની. આ દુનિયાનો વધુ એક દિવસ છે જ્યાં મીડિયા અને શિક્ષણવિદ એ વાત પર ભાર મૂકશે કે હિન્દુઓ વિરુદ્ધ કોઈ નફરત નથી અને હિન્દુફોબિયા ફક્ત અમારી કલ્પના છે.

આ હુમલા અંગે ખાલિસ્તાનીઓની લિંક તરફ ઈશારો કરતા, હિન્દુ સંગઠને આગળ લખ્યું કે, 'લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન  જનમત સંગ્રહને હવે થોડા દિવસો જ બાકી છે  ત્યારે આ ઘટના બની છે જે આશ્ચર્યજનક નથી.' અમેરિકામાં તાજેતરના મહિનાઓમાં હિન્દુ મંદિરો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે. ગયા વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ, કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.