રિપોર્ટ@દેશ: PM મોદીની ચૂંટણી પરિણામોના બે દિવસ પહેલા સાત બેઠકો, કયા મુદ્દા પર કરશે ચર્ચા જાણો

 
બેઠક
આગામી સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરશે

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ અલગ સમાચાર એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. એક્ઝિટ પોલ અનુસાર સતત ત્રીજી વખત મોટી બહુમતી સાથે NDA સરકાર બની રહી છે. વડાપ્રધાન 45 કલાકના ધ્યાન બાદ કન્યાકુમારીથી દિલ્હી પરત ફર્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ વડાપ્રધાન પીએમઓના અધિકારીઓ સાથે એક મોટી બેઠક કરવાના છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થાય તેવી સંભાવના છે. લોકસભા 2024ની ચૂંટણી માટે તમામ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે બે દિવસ બાદ ચોથી જૂને પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અને એક દિવસમાં સાત તાબડતોબ બેઠકો કરવાના છે.

જેમાં આગામી સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરશે. આ ઉપરાંત દેશભરમાં ભીષણ ગરમી અને હિટવેવની પરિસ્થિતિ, રેમલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન, પર્યાવરણ દિવસ સહિતના અનેક મુદ્દઓ પર ચર્ચા થશે તેવી શક્યતા છે.વડાપ્રધાન મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે 'પહેલા 100 દિવસમાં જ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. આ માટે 2029 સુધી રાહ જોવાની જરૂર નથી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે અધિકારીઓએ મોદી સરકારના પ્રથમ 100 દિવસના નિર્ણયોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સરકાર ઓગસ્ટ 2024 સુધીમાં મોટા નિર્ણયો લઈ શકે છે. સરકાર બન્યા બાદ જુલાઈમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.

હજુ ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે. ઉલ્લેખનીય છેકે ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શનિવારે બહાર પડેલા ઓછામાં ઓછા ત્રણ એક્ઝિટ પોલમાં NDAને 400 બેઠકો મળે તેવો અંદાજ છે. જો કે એક્ઝિટ પોલ પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઈન્ડિયા ગઠબંધન ઓછામાં ઓછી 295 બેઠકો જીતશે. ચોથી જૂને મતગણતરી થવાની છે.