રીપોર્ટ@દેશ: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, વિપક્ષ SIR મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં
9 નવા આર્થિક બિલ રજૂ થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને આ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે. એક તરફ જ્યાં સરકાર આ સમયગાળા દરમિયાન પરમાણુ ઊર્જા ક્ષેત્ર, ઉચ્ચ શિક્ષણ માળખાકીય સુધારા અને કોર્પોરેટ/શેર બજારના નિયમો સહિત 10 મહત્ત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. વિપક્ષ SIRના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સંસદના શિયાળુ સત્રમાં પરમાણુ ઊર્જા વિધેયક-2025 સાથે કુલ 9 નવા બિલો રજૂ થવાના છે.
સરકારે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે નવ આર્થિક વિધેયકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વીમા કાયદામાં સુધારો કરતો એક વિધેયક અને તમાકુ તથા પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓ પર કર અને ઉપકર લગાવવા સંબંધિત અન્ય બે વિધેયકોનો સમાવેશ થાય છે.આગામી સત્ર માટે સંસદ સભ્યોને મોકલેલ વિધેયકોની સૂચિ મુજબ સરકાર નવી પેઢીના નાણાકીય સુધારાઓ હેઠળ વીમા કાયદા વિધેયક, 2025 રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ વિધેયકનો ઉદ્દેશ્ય વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની છે.
અત્યાર સુધીમાં, વીમા ક્ષેત્રે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) દ્વારા 82,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કર્યું છે.બે મહત્વપૂર્ણ કરવેરા વિધેયકો કેન્દ્રીય આબકારી જકાત (સુધારા) વિધેયક, 2025 અને 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક, 2025'-સોમવારે લોકસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આબકારી જકાત વિધેયકમાં સિગારેટ જેવા તમાકુ ઉત્પાદનો પર આબકારી જકાત લગાવવાની જોગવાઈ છે, જે GST વળતર ઉપકરનું સ્થાન લેશે. 'સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક, 2025' પાન મસાલા પર લાગતા વળતર ઉપકરનું સ્થાન લેશે. આ ઉપકરનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સ્વાસ્થ્ય માટે થતા ખર્ચને પહોંચી વળવા સંસાધનો વધારવાનો છે.વેપારની સરળતા માટે એકીકૃત સિક્યોરિટીઝ બજાર સંહિતા સુનિશ્ચિત કરવા માટે 'સિક્યોરિટીઝ બજાર સંહિતા વિધેયક 2025' રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તેના એક દિવસ પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બંને ગૃહોના કાયદાકીય કાર્યો અને વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યસભામાં સદનના નેતા અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ સામેલ થયા હતા. વિપક્ષ તરફથી કોંગ્રેસના પ્રમોદ તિવારી, કોડિકુનિલ સુરેશ, ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ડીએમકેના તિરુચિત શિવા અને અન્ય ઘણા પક્ષોના નેતાઓ સામેલ થયા હતા.

