રીપોર્ટ@રમતગમત: વિભાગના કર્મચારીએ એક જ સ્થળે રહીને વહીવટથી વસાવી બેસુમાર સંપત્તિ, સચિવ આ ધ્યાને લેશે?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન માટે વિભાગના મંત્રી અને સચિવ તનતોડ મહેનત કરે છે પરંતુ ગ્રાન્ટના વહીવટકર્તાઓનો વહીવટ અવારનવાર શંકા ઉભી કરે છે. આ વિષયમાં એક સૌથી મોટી અને આખી ચેનલની મિલીભગતથી વર્ષોથી થતો ભ્રષ્ટાચાર અને તેના થકી ઉભી કરેલી બેસુમાર સંપત્તિનો રીપોર્ટ જાણી ચોંકી જશો. આગામી શનિવારે આપડે ગુજરાતના એક જિલ્લાના રમતગમતના વિષય સાથે સંકળાયેલા એક અધિકારી/કર્મચારીના ભ્રષ્ટાચારનો રીપોર્ટ જાણીશું. આ રીપોર્ટ જાણતાં પહેલાં સચિવ સાહેબને જરા ધ્યાને મૂકીએ કે, રીપોર્ટ બાદ જરા ત્યાં તપાસ કરશો તો સરકારના હિતમાં બહું બધું મેળવી શકશો. જાણીએ તેની કેટલીક હાઇલાઇટ.
મધ્ય ગુજરાતના એક જિલ્લામાં વર્ષોથી એક અધિકારી રમતગમત વિભાગ કે ઓથોરિટી હેઠળ ફરજ પર છે ત્યારે ખૂબ પ્રમાણમાં આવતી ગ્રાન્ટનો વહીવટમાં માસ્ટર બન્યા છે. રાજ્યની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી દાદાની રમતગમત પ્રત્યે ખૂબ મહેનતથી અહીં મહાકાય સ્પોર્ટ્સ સંકુલ માટે, રમતવીરો માટે તેમજ અઢળક વ્યવસ્થાઓ માટે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આવે છે. હવે આ જિલ્લામાં સમગ્ર વિષયના અધિકૃત અધિકારી કે જેઓ વર્ષોથી અહીં છે ત્યારે તેમનાં વહીવટ સામે ગંભીર સવાલો છે. ભલે આ અધિકારીને આખી ચેનલમાં સારા સંબંધો કોઈ લાભાલાભથી હોય પરંતુ ભ્રષ્ટાચારની મોડસ ઓપરેન્ડીથી બેહિસાબી સંપત્તિ ઉભી કરી છે. ભોજન બાબતે, આઉટસોર્સિંગ ખર્ચ બાબતે, મેઈન્ટેનન્સ બાબતે જેવા તમામ વિષયમાં બેઠી આવકનુ સેટઅપ ગોઠવેલુ છે. આ ગેરકાયદેસરની બેઠી આવકથી ગણતરીના વર્ષોમાં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરી લીધું છે, વાંચો નીચેના ફકરામાં.
આ સમગ્ર ભ્રષ્ટાચાર બાબતે આગામી શનિવારે જે રીપોર્ટ કરીશું તે અંગે અત્યારથી બાહોશ અને પ્રામાણિક સચિવ અશ્વિનીજી અને નિડર મંત્રીજીને ધ્યાને કેટલાક મુદ્દા જવા જરૂરી છે. શું કારણોથી આ અધિકારી એક જ જગ્યાએ રહ્યા?, ભોજનના ખર્ચ બાબતે ગુણવત્તા અને ટેન્ડર પાર્ટી સાથે સરકારના હિતમાં કેટલી વિગતો મેળવી? આઉટસોર્સિંગના ખોટાં આંકડા બતાવી ગેરકાયદેસર રીતે ઉચાપત થાય છે કે કેમ તેની ક્રોસ તપાસ ઓથોરિટીને પણ કહ્યાં વગર બારોબાર કરવામાં આવી કે કેમ? આટલું જ નહિ, સામાન્ય પગાર વચ્ચે આ અધિકારીએ ખૂબ ઓછાં સમયમાં કરોડોની સ્થાવર જંગમ મિલકતો કેવીરીતે ઉભી કરી તે તમામ મુદ્દા સરકારના હિત સાથે સંકળાયેલા હોઈ અભ્યાસ કરવા અગત્યના છે. આથી સદર વિષયે આગામી શનિવારે મહા રીપોર્ટ આધારે ખાસ રમતવીરો માટે સરકાર કેટલી મહેનત કરે અને તેની સામે સ્થાનિક અધિકારીની સરકાર પ્રત્યે કેટલી વફાદારી તે જાણીશું.