રિપોર્ટ@દેશ: 'ચૂંટણીનો ચોકીદાર ચોરી બચાવતો રહ્યો' ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીનો ફરી મોટો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ચોરી થતી રહી, ચૂંટણીનો ચોકીદાર જાગતો રહ્યો, પરંતુ ચોરોને બચાવતો રહ્યો.રાહુલ ગાંધી સતત મોદી સરકાર અને ચૂંટણી પંચને મત ચોરીના મામલે જવાબદાર ઠેરવી રહ્યા છે. લોકસભામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ 31 મિનિટનું પ્રેઝન્ટેશન આપીને મત ચોરીના આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને કોંગ્રેસના મતોને નિશાન બનાવી રહ્યું છે અને તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન તેમણે કર્ણાટકના એવા મતદારોને પણ રજૂ કર્યા, જેમનાં નામ યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા. રાહુલ ગાંધીનું કહેવું છે કે આ ફક્ત કેટલાક રાજ્યો સુધી સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર, હરિયાણા અને યુપીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું, "સવારે 4 વાગ્યે ઊઠો, 36 સેકન્ડમાં 2 મતદાર હટાવો, પછી સૂઈ જાઓ." રાહુલે આ ઉદાહરણ મત ચોરીની પ્રક્રિયા સમજાવવા માટે આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર એવા લોકોનું રક્ષણ કરી રહ્યા છે જેમણે ભારતીય લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચે કોંગ્રેસના મતદારોના નામ હટાવ્યા અને તેનાથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા થાય છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા. પંચે કહ્યું કે કોઈ સામાન્ય નાગરિક ઓનલાઈન કોઈનો મત હટાવી શકતો નથી. કોઈ પણ મતદારનું નામ હટાવતા પહેલાં તેને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે.રાહુલ ગાંધીના આરોપોએ રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે. વિપક્ષ આ મુદ્દાને ચૂંટણીની નિષ્પક્ષતા અને લોકશાહીના રક્ષણના દૃષ્ટિકોણથી ઉઠાવી રહ્યો છે, જ્યારે ચૂંટણી પંચે તેને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલાથી ચૂંટણી પ્રણાલીની પારદર્શિતા અને જવાબદારી પર ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.