રીપોર્ટ@દેશ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીએ કહ્યું, 'એવા નિયમ કાયદા ન હોવા જોઈએ કે જનતા પરેશાન થાય'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો. તેમણે અમને ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ. કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું, કે 'પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે કાયદા અને નિયમો સારા છે, પણ તે સિસ્ટમ ઠીક કરવા માટે. જનતાને પરેશાન કરવા નહીં. એક પણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ તેનાથી જનતાને પરેશાની થાય.'
વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દેશ અત્યારે ઈન્ડિગો સંકટથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરી રહી છે. જેના કારણે લાખો મુસાફરો પરેશાન થયા છે. ઈન્ડિગોએ આ સંકટ માટે ટેકનિકલ ખામીની સાથે સાથે રોસ્ટર માટેના સરકારના નવા નિયમોનો પણ હવાલો આપ્યો હતો.
ઇન્ડિગોના સંકટ વચ્ચે મંગળવારે પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી 13 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા કાર્યરત નહોતી, જેમાં આઠ ડિપાર્ચર અને પાંચ અરાઇવલનો સમાવેશ થાય છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર 16 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે 180 ફ્લાઇટ્સ પણ રદ કરી હતી.

