રીપોર્ટ@ધાનપુર: તાલુકાના બાંધકામોમાં પારદર્શકતા શોધવી પડે તેવી, અમઈના કામોની તપાસ કેમ જરૂરી

 
Dhpur
આ કામો સરેરાશ 2 લાખથી 5 લાખ વાળા અને તેમાં રસ્તા, નાળાં, દિવાલના કામો વધારે છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ધાનપુર તાલુકામાં નેતાજીની સુચનાથી વિકાસના થોકબંધ કામો આવી રહ્યા છે. તાલુકા પંચાયત પાસે નાણાંપંચના કામો સાથે વિકાસશીલ, એમપી, એમએલએ સહિતના ઢગલાબંધ બાંધકામ સંબંધિત કામો છે. જોકે તાલુકા પંચાયતના એસ.ઓના વડપણ હેઠળ થતાં કામોની ગુણવત્તા ગંભીર સવાલો વચ્ચે આવી છે. કોઈપણ કામો વિશે વિગતો પૂછો તો એસ.ઓ જવાબ નહિ આપવા તરકીબો અપનાવે છે. સીસીરોડ, નાળા, સંરક્ષણ દિવાલ સહિતના કામમાં ગુણવત્તા જાળવી રાખવા અને દુબાર નહિ થવા દેવા સરકારના હિતમાં તાત્કાલિક અસરથી તપાસ જરૂરી બની છે.‌ જાણીએ કેમ તપાસની બૂમરાણ મચી તેનો સ્પેશ્યલ રિપોર્ટ.


દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારિયા તાલુકા રાજ્ય પંચાયત મંત્રીના મતવિસ્તારમાં આવે છે. આથી આ બંને તાલુકા પંચાયતમાં સંપૂર્ણ પારદર્શક કામો થવા અતિ મહત્વના છે. જેમાં ધાનપુર તાલુકા પંચાયતની બાંધકામ શાખા દ્વારા થયેલ 2022-23 અને 2023-24 ના કામોની તપાસ કેમ જરૂરી બની તે સમજવું પડશે. આટલુ જ નહિ ચાલુ નાણાંકીય વર્ષના કામો પણ ઉચ્ચ ગુણવત્તાના થવા ઉપર તાત્કાલિક અસરથી ધ્યાન આપવું પડે તેવી સ્થિતિ છે. ધાનપુર તાલુકા પંચાયતને 20 ટકા નાણાંપંચ, 10 ટકા નાણાંપચ અને તાબા હેઠળની ગ્રામ પંચાયતોના બાંધકામો સાથે વિકાસશીલ તાલુકાના પણ અનેક કામો ગામડે ગામડે મંજૂર થયા છે. આ કામો સરેરાશ 2 લાખથી 5 લાખ વાળા અને તેમાં રસ્તા, નાળાં, દિવાલના કામો વધારે છે. આ કામો દરવર્ષે આવતાં હોઈ એકબીજાનાં મેળાપીપણામાં ભ્રષ્ટાચારથી ગુણવત્તામાં બેદરકારીનો સૌથી મોટો સવાલ ઉભો થયો છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, એસ.ઓ ચૌધરી એક આખી ટીમ મારફતે કામો કરાવી મોટાભાગના ગુણવત્તા બાબતે નિયમો નેવે મૂકી દીધા છે. જો ઉચ્ચ કક્ષાએથી ખુદ પંચાયત મંત્રી અધિક મદદનીશ ઇજનેર ચૌધરીના કામોની ઝીણવટપૂર્વકની તપાસ કરાવે તો મોટો ખુલાસો થાય તેમ છે. આટલુ જ નહિ, એસ.ઓ ચૌધરીના વડા એવા ટીડીઓ રાઠવા પણ અગાઉ શૌચાલય કૌભાંડના આરોપી બનેલા હોઈ ધાનપુર તાલુકામાં વિકાસના કામોમાં ખાસ નજર રાખવાની જરૂર બની છે.