રીપોર્ટ@ધ્રાંગધ્રા: ભૂમાફિયાઓએ ગેરકાયદે રેતીના ખનન માટે રસ્તો ખોદી નાખ્યો, ગ્રામજનોને ભારે હાલાકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી છે. ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતા કામગીરી સામે ઉઠયા સવાલો છે.ધુ્રમઠ ગામની નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રેતી ચોરીનો કારોબાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
માથાભારે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે રેતીના ખનન અને વહન માટે આખો રસ્તો ખોદી નાખ્યો છે. આ અંગે કોઈ નાગરિક વિરોધ કરે તો ભૂમાફિયા ધમકી આપી દાદાગીરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈ સ્થાનિક રહીશ ખનિજ ચોરી બાબતે તંત્રને રજૂઆત કરે તો રેઇડ કરવાને બદલે ભૂમાફિયાઓ સુધી રજુઆત કરનારની જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ મારપીટ કરી ધમકી આપતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ધુ્રમઠ ગામની નદીમાં ગેરકાયદે રેતી ચોરીથી ગ્રામજનો પણ ત્રાસી ચુક્યા છે ત્યારે હવે સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી તથા જિલ્લા ખાણ ખનિજ વિભાગ સહિતના તંત્રને ખનિજ ચોરી બાબતે મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.

