રીપોર્ટ@દ્વારકા: નાગેશ્વર જ્યોતિર્લિંગમાં 300 કરોડથી વધુના ભ્રષ્ટ્રાચારનો આરોપ, CBI તપાસની માંગ કરાઇ

 
બ્રસ્તાચાર
પૂજારી પરિવારનાં જ સભ્યએ સીબીઆઇ તપાસની માંગ સાથે આવેદન કરતા ખળભળાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકા નજીક આવેલ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થીઓ સાથે થતી ગેરવર્તણૂંક, ધર્મનાં નામે લૂંટ વગેરે બાબતે અવારનવાર આરોપો લાગતા રહે છે અને વિવિધ ઘટનાઓ પણ મીડિયામાં ચમકતી રહે છે. ત્યારે તાજેતરમાં દ્રારકા પંથકનાં મંદિર આસપાસનાં વિવિધ ગામનાં સરપંચો દ્રારા મંદિરનાં ગેરવહીવટ અંગે તપાસ તથા કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી અમોલ આવટેને આવેદન પાઠવ્યું હતું. આ તકે ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા હતા. એ પછી હવે પૂજારી પરિવારનાં જ સભ્ય એવા શખ્સે આ પ્રકરણમાં સીબીઆઇ તપાસની માંગ સાથે આવેદન કરતા ખળભળાટ મચી ગયો છે.

મંદિર ટ્રસ્ટનાં હોદ્દેદારો-સંચાલકો હરીભારથી તથા ગિરધરભારથી વિરૂદ્ધ તેમનાં ભત્રીજા પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્રારા ગંભીર અને સનસનાટીજનક આરોપો લગાવી સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવતા આ મુદ્દો વધુ ગરમાયો છે. અરજદાર દ્રારા મંદિરનાં હોદ્દેદારો-પૂજારીઓ દ્રારા 300 કરોડથી વધુનો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. 

ટ્રસ્ટીઓ હરીભારથી ફલભારથી તથા તેમનાં પરિવારજનો અને ગિરધરભારથી લીલાભારથી તથા પરિવારજનો દ્રારા હોટલ, જમીન, પ્લોટ તથા ગાડીઓ ખરીદી ગેરકાયદે સંપતિનું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યુ હોવાનું તથા જામનગર, ખંભાળીયા, રાજકોટ, અમદાવાદ સહિતનાં શહેરોમાં બે નંબરી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હોવાનાં આરોપ લગાડવામાં આવ્યા છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે ટ્રસ્ટીઓ-પૂજારીઓ દ્રારા થતા ગેરવહીવટ અંગે આસપાસનાં ગામનાં સરપંચોની રજૂઆત પછી પૂજારી પરિવારનાં સભ્યએ જ હોદ્દેદારો તથા તેમનાં સગાઓની ૧૦૦-૧૦૦ કરોડની મિલ્કતનાં દસ્તાવેજોની નકલો રજૂ કરવવા સહિત ૩૦૦-૩૫૦ કરોડનાં કૌભાંડનો આરોપ લગાવી સીબીઆઇ તપાસની માંગ કરતા સનસનાટી મચી ગઇ છે.