રીપોર્ટ@દ્વારકા: ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો, ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોની અટકાયત!

 
ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ, ઈસુદાન ગઢવી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આશરે 50 જેટલા કાર્યકરો સાથે પોતાના એક કાર્યકર પર નોંધાયેલી ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમની અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરતા ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખીને તેમની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. આ સમગ્ર બબાલની શરૂઆત બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકર દીપક કુમાર સિંગ પર નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. ઈસુદાન ગઢવીનો સીધો આરોપ છે કે દીપક કુમાર પર પોલીસે ખોટી રીતે લૂંટની કલમ લગાવી દીધી છે.

આ બાબતનો વિરોધ કરવા અને યોગ્ય તપાસની માંગ સાથે તેઓ પોતાના 50 જેટલા સમર્થકો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં પહોંચતા જ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવતા ઈસુદાન ગઢવી અને ખંભાળિયાના પીઆઈ વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસ સ્ટેશનની અંદર જ્યારે આ માથાકૂટ ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પોતાના મોબાઈલ કેમેરાથી આ આખી ઘટનાનો વીડિયો ઉતારવા લાગ્યા હતા.

પોલીસે તેમને પોલીસ મથકમાં વીડિયો ઉતારવાની ના પાડીને અટકાવ્યા, જેથી કાર્યકરો વધુ રોષે ભરાયા અને પોલીસ સ્ટેશનમાં જ ભારે હોબાળો મચાવી દીધો. પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને તાત્કાલિક DYSP, LCB અને SOG સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહામહેનતે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ 'આપ' ગુજરાતે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, "ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ કે ગુંડાઓની ફરિયાદો લેવાય કે ન લેવાય, પણ જો કોઈ સામાન્ય જનતા માટે રજૂઆત કરવા જાય તો તેની વાત સાંભળવામાં આવતી નથી." વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતભરમાં AAP ના નેતાઓ અને કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આજે જ્યારે ઈસુદાનભાઈ રજૂઆત કરવા ગયા તો તેમને સાંભળવાના બદલે પોલીસ દ્વારા તેમની જ અટકાયત કરી લેવામાં આવી.