રીપોર્ટ@દ્વારકા: સ્વામિનારાયણ સંતના વિવાદિત નિવેદનથી હિન્દુ સમાજમાં ભારે રોષ, 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકા વિશે એક વિવાદાસ્પદ લખાણ પ્રકાશિત થયું છે, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે?ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.” આ નિવેદનને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદાસ્પદ લખાણના વિરોધમાં આજે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને તેમના નિવેદન બદલ માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં અનેકવાર તેમનાં વિવાદાસ્પદ નિવેદનો અને બફાટોને કારણે વિવાદોમાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે નવો વિવાદ સર્જાયો છે.આ તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાણે દ્વારકાધીશ ભગવાનના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હોય. પુસ્તકમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ'. આ લખાણને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં, દ્વારકામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પહેલાં, લોકો જગત મંદિરમાં એકઠા થયા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ, સરઘસ સ્વરૂપે રેલી દ્વારકાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીમાં અનેક લોકો જોડાયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી બાદ, લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આ બાબતની જાણકારી આપી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરીને સમાજને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી.સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, તેમને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.