રિપોર્ટ@વિજળી: ટોરેન્ટ પાવરની સૂર્યઘર યોજનામાં ખોટી ઉઘરાણી, મનાઇ છતાં મીટર ચાર્જ લે પછી ક્રેડિટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પીએમ દ્વારા જ્યારથી સૂર્યઘર યોજના એટલે કે, સબસિડીવાળી સોલાર વિજ કનેક્શન યોજના જાહેર કરવામાં આવી ત્યારથી ગ્રાહકો રહેણાંક માટે મોટી સંખ્યામાં સોલાર આધારીત વિજ પુરવઠો મેળવવા ઉત્સુક બન્યા છે. જેમાં મીટર ચાર્જ, ટેસ્ટિગ ચાર્જ અને કનેક્ટિવિટી સહિતના રૂ.2950 રાજ્ય સરકારે માફ આપેલ છે. હવે આ બાબતે સરકારે પત્ર પણ જાહેર કરી તમામ ડીસકોમ અને ટોરેન્ટને જાણ કરી દીધેલ છે. જેમાં તમામ ડીસકોમ પૈકી એક ટોરેન્ટ પાવરવાળાએ પ્રથમ ચાર્જ લઈ લીધો અને લોકો જાગૃત થતાં ક્રેડિટ સ્વરૂપે પરત આવતા હોવાનો દાવો કરે છે. જોકે સરકારનો ઓગસ્ટ 2025નો લેટર છતાં રૂ.2950 લેવાતાં હોવાનો સોલારના વેપારીએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર રૂફટોપમાં રહેણાંક માટે સોલાર લેતાં વિજ ગ્રાહકોને મોટી સબસિડી જાહેર કરેલી છે. આનાથી ગુજરાતમાં અનેક વિજ ગ્રાહકો સોલાર રૂફટોપ લગાવી રહ્યા તેમાં ખાસ કરીને રાજ્ય સરકારે સદર યોજના હેઠળ સબસિડી સાથે મીટર બોક્સ ચાર્જ અને કનેક્શનના રૂ.2950 વેઈવર/માફ કર્યા છે. આ રૂ.2950 માફ કર્યાનો પરિપત્ર પણ ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગે ગત 5 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરી દીધો છે. જેની સુચના ટોરેન્ટ સહિત તમામ વિજ કંપનીઓને અપાઇ તેમ છતાં ચાર્જની ઉઘરાણી થઈ રહી છે. આ બાબતે સોલારના વેપારી વિનય વિઠ્ઠલપરાએ જણાવ્યું કે, ટોરેન્ટ પાવરવાળા તાનાશાહી કરી ખોટું ઉઘરાણું કરે અને રજૂઆત કરીએ એટલે ક્રેડિટ આપીએ તેમ કહે છે. હકીકતમાં રૂ.2950 શરૂઆતથી જ લેવાના નથી તો ક્રેડિટનો કોઈ સવાલ જ નથી. વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે હકીકત એવી છે કે, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપમા રૂ.2950 સોલાર વિજ કનેક્શન વખતે ગ્રાહકો પાસેથી લેવાના જ નથી તો પછી અમદાવાદ સ્થિત ટોરેન્ટ પાવરવાળા કેમ રૂ.2950 લઈ રહ્યા છે? અથવા પરિપત્ર પછી પણ કેમ ઉઘરાવી લીધા? આ બાબતે જ્યારે સોલારના વેપારી વિનય વિઠ્ઠલપરાએ ટોરેન્ટમા સવાલો કર્યા તો સામેથી જણાવ્યું કે, રૂ.2950 ગ્રાહકોને વિજ બીલમાં ક્રેડિટ આપીએ છીએ. આ તો કેવી વાત થઈ જે રકમ ઉગરાવાની નથી તે લઈ લેવાની અને પછી પરત આપવાની? અહિં સવાલ થાય કે, 5 /8/2025નો રાજ્ય વિજ વિભાગનો પત્ર અને 6/8/2025નો ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો પત્ર છતાં પ્રતિ ગ્રાહકે ટોરેન્ટ પાવરે રૂ. 2950 રકમ લીધી તેને વ્યાજ સહિત પરત આપશે? રાજ્ય સરકારના પરિપત્રનું ટોરેન્ટ પાવરે ઉલ્લંઘન કેમ કર્યું તે સૌથી મોટો સવાલ છે.

