રીપોર્ટ@ફતેપુરા: સરકારી રેકર્ડ બનાવતાં ઈસમો સાચાં હોય તો ત્યાંથી જ પુરાવા લાઇવ કરી બતાવે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકા પંચાયત સંબંધિત રેકર્ડ અન અધિકૃત જગ્યાએ બનાવતા શંકાસ્પદ ઈસમોને મોટી ચેલેન્જ થઈ છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે, ગેરકાયદેસર જગ્યાએ તાલુકા પંચાયતના કામો કાગળ ઉપર તૈયાર કરતાં નેતા સહિતના ઈસમો જો સાચા હોય તો ત્યાંથી જ વિડિયો લાઇવ કરી બતાવે. જે જગ્યાનો વિડિયો અગાઉ વાયરલ થયો હતો તે જગ્યાએ બેઠેલ કોમ્પ્યુટર ઓપરેટર સહિતના ઈસમો લાઈવ કરી ફતેપુરા તાલુકાની જનતાને જણાવી દે. હવે આવી સ્થિતિમાં બે કારણ ઉભા થયા છે. કેમ કે જો વિડિયો લાઇવ કરે તો રેકર્ડ પણ બતાવવું પડે અને જો બરાબર આ સમયે તપાસકર્તા પહોંચી જાય તો આખુ ચિત્ર સાફ થઈ જાય. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના ટીડીઓ બારીયાએ ક્યારે અને કેવી રીતે વાયરલ વિડિયોની તપાસ કરે છે તે સવાલ છે. જોકે વિડિયોમા દેખાતાં ઈસમોને ફતેપુરાના રાજકીય અને સામાજિક આગેવાને ચેલેન્જ આપી કે, વિડીયોવાળી જગ્યાએ એક કોમ્પ્યુટર ઓપરેટર કંઈક પ્રવૃત્તિ કરે છે અને કેટલાક તાલુકા સદસ્યો પણ છે ત્યારે આ લોકો જે કાંઇ પ્રવૃત્તિ કરતાં હતાં તે સાચી અને કાયદેસર હોય તો ફરી તે જગ્યાએ તેવી જ પ્રવૃત્તિ કરી વિડિયો લાઇવ કરી બતાવે. આટલુ જ નહિ, અગાઉનાં વાયરલ વિડિયોમા જે કાગળો દેખાય છે તે કાગળોમાં લખેલું લખાણ પણ લાઈવ કરીને જાહેર જનતા સમક્ષ મૂકે. આવી ચેલેન્જથી વાયરલ વિડિયો વાળી જગ્યા, તેની પ્રવૃત્તિઓ અને ત્યાં ઉપસ્થિત ઈસમો વિરૂદ્ધ સવાલો અને શંકા વધુ મજબૂત બનતી જાય છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેલેન્જ એટલા માટે આવી કે, વાયરલ વિડિયોમા સ્પષ્ટ રીતે તાલુકા પંચાયત અને કામો દેખાય છે એટલે જો શંકાસ્પદ ઈસમો લાઈવ કરે તો આ બધું કોના કહેવાથી, કેમ અને કેવીરીતે ફતેપુરા તાલુકા પંચાયતનું રેકર્ડ ખાનગી જગ્યાએ બનાવતાં હતા તે પણ જાહેર કરવું પડે. જો કોમ્પ્યુટર ઓપરેટર અને શંકાસ્પદ ઈસમો ફતેપુરા તાલુકા પંચાયતના કામોની યાદી ટીડીઓને આપવા તૈયાર કરતાં હતા તેવું કહે તો માત્ર કામોની યાદી જ હોય તેની સાથે રકમ, લખાણ, શરતો અને પ્રક્રિયા કોના કહેવાથી ખાનગી જગ્યાએ લખાઇ તે સવાલનો જવાબ આપવો અશક્ય છે. જો આયોજનના કામો રદ્દ થયા હોય તો પણ ટીડીઓની જાણ બહાર કેવી રીતે ખાનગી જગ્યાએ આવી પ્રવૃત્તિ થઈ શકે? જો વાયરલ વિડિયો પાછળ સત્ય જાણવા તંત્ર અને ખુદ પાર્ટી ઉતરી જાય તો ઘણાનાં ગરબા ઘરભેગા થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી.