રીપોર્ટ@ફતેપુરા: અહીં મનરેગાનો ભય વગરનો ભ્રષ્ટાચાર, મોટા નેતાને સેટિંગથી બેઠી આવક
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકામાં મનરેગાના ભ્રષ્ટાચાર અને કાર્યવાહી ઉપર ઢગલાબંધ સમાચારો આવ્યા પરંતુ આજે આ રીપોર્ટ વાંચી જાણકારો સિવાયના ચોંકી જશો. મનરેગાની કાર્યપદ્ધતિ મુજબ લેબર પેમેન્ટ જોબકાર્ડધારકોને મળે અને મટીરીયલ પેમેન્ટ એજન્સીને મળે છે. જોકે ફતેપુરા તાલુકામાં સેટિંગ્સ વાળા લેબર પેમેન્ટ અને મટીરીયલ પેમેન્ટમાં ભાગબટાઇ થાય છે. એક મોટા નેતાએ છેલ્લા કેટલાક વર્ષોથી એવો દબદબો ઉભો કર્યો છે કે, તેમના મનપસંદ કામો થાય અને તેમાં લેબર અને મટીરીયલ પેમેન્ટ આવી ગયા બાદ કબ્જે કરી લે છે. એટલે કે ભલે પેમેન્ટ લેબરોના ખાતામાં જાય અને મટીરીયલ પેમેન્ટ એજન્સીને જાય છતાં આ મોટા નેતાને વગર મહેનતે બેઠી આવક છે. આ નેતાએ અત્યાર સુધી થોકબંધ કામોના પેમેન્ટ મેળવી કરોડોની બેહિસાબી આવક ભેગી કરી લીધી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓ કરતાં ફતેપુરા તાલુકામાં મનરેગાનો ભ્રષ્ટાચાર સૌથી અલગ અને ચોંકાવનારો છે. ભલે ઘણાં કરારી સામે કાર્યવાહી થઈ પરંતુ અહીં મનરેગાનો સૌથી મોટો ઘટસ્ફોટ જાણીને નવાઇ લાગશે. એક નેતાએ ફતેપુરા તાલુકામાં એવી મોડસ ઓપરેન્ડી ગોઠવી છે કે, ચોક્કસ ગામોમાં ચોક્કસ કામોની ફાઇલ પોતાની તાકાતથી પાસ કરાવી એજન્સીઓનો ઉપયોગ કરી મનરેગા થકી અપ્રમાણસરની આવક બનાવી છે. સરળ ભાષામાં કહીએ તો, ટાપાટૈયા કરતાં હોય તેઓને લેબર પેમેન્ટ અપાવી દઈ એજન્સીના બીલો મુજબનુ પેમેન્ટ સ્વયં લીધું છે. આ ષડયંત્ર હેઠળના કામો જમીની સ્તરે ચકાસો તો મનરેગાના ભ્રષ્ટાચારનો ભૂકંપ આવે તેમ છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અટલ સમાચારના અગાઉના અહેવાલમાં જાણ્યું કે, મનરેગાના મટીરીયલ બીલના નાણાં લેવાં અંદરોઅંદર ખેંચતાણ છે. આવી સ્થિતિમાં અનેક એવા કામો છે જે હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર છે કે નહિ તે સૌથી મોટો સવાલ છે. કેમ કે, ફતેપુરા તાલુકામાંથી કોઈને કોઈ ચૂંટણીમાં ચૂંટી આવતા આ નેતાએ સત્તાના જોરે મનરેગા થકી લાખો કરોડોની બેનામી આવક તો કરી છે અને સાથે સાથે વર્ષે દહાડે બોગસ કામો આધારે બેઠી આવક પણ ઉભી કરી દીધી છે. આ બેનામી આવકથી નેતાએ જમીન, મકાન, પ્લોટ, ઘરેણાં અને દુકાનો વસાવી છે તેમજ આંતર જિલ્લામાં પણ પ્રોપર્ટી લીધી છે. આ નેતાએ ટાપાટૈયા કરતા એક વિશ્વાસુ વ્યક્તિના નામે પણ અનેક જગ્યાએ પ્રોપર્ટી લીધી હોવાની ચકચાર છે.