રીપોર્ટ@ફતેપુરા: પંચાયતના નેતાનું જીવન બન્યું વૈભવી, મોંઘીદાટ કાર,જમીન વસાવી, જાણે જનતા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરામાં વાયરલ વીડિયો બાદ વધુ એક મોટી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે વિગતો પણ ચોંકાવનારી છે. પંચાયતના એક મોટા નેતા અચાનક વૈભવી લાઇફસ્ટાઇલમાં આવી ગયા હોઈ મામલો અભ્યાસ કરવા જેવો બન્યો છે. આ નેતાજીએ ગણતરીના સમયમાં મોંઘીદાટ કાર વસાવી તો સાથે ઘર સજાવટમાં પણ ખૂબ રૂપિયા નાખ્યા હોવાની બૂમરાણ છે. હવે આ બૂમરાણથી પ્રશ્ન નથી પરંતુ આ વૈભવી જીવન કેવી રીતે આવ્યું તો ભ્રષ્ટાચારના શબ્દથી આખી કહાની શરૂ થાય છે. ફતેપુરાના વાયરલ વીડિયોના તાર પણ નેતાજીના વૈભવી જીવન સાથે હોવાનું મનાઇ રહ્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો નેતા પેદા કરતો વિસ્તાર કહી શકાય પરંતુ કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઇ છે. આશીર્વાદથી અચાનક પત્તું બદલાઇ જતું હોવાથી જે સમય મળ્યો તેનો દૂરૂપયોગ થતો જઈ રહ્યો છે. હવે આ ઉપરની વાતને જરા ઉંડાણમાં સમજીએ તો કેટલાક દિવસો પહેલાં તાલુકા પંચાયતનુ રેકર્ડ અન અધિકૃત જગ્યાએ બનતું હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોની ચર્ચા બાદ વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે. પંચાયતના એક મોટા નેતાએ તાજેતરમાં વસાવી છે મોંઘીદાટ કાર, પ્લોટ ખરીદ્યો, ઘર સજાવટમાં મોટો ખર્ચો કર્યો, વૈભવી જીવન કર્યું. આ બધું નેતાજીને કેવી રીતે અને ક્યાંથી તેની ચર્ચા ઘણાબધા સવાલો ઉભા કરે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ નેતાજી પાસે કાંઇ ખાસ નહોતું, મોટો વેપાર કે ફેક્ટરી નથી. ભૂતકાળમાં પણ ગેરકાનૂની પ્રવૃત્તિમાં હતા તો પછી અચાનક માલામાલ કેમ ? વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નેતાજીને જ્યારથી આશીર્વાદરૂપી બેઠક મળી છે ત્યારથી પાછું વળીને જોયું નથી અને હુકમના એક્કાની જેમ ચલાવે છે. મનફાવે ત્યાં, મનફાવે તેવા અને મનફાવે તેટલા કામો કરાવી રહ્યા છે. આટલુ જ નહિ, નેતાજીના ખૌફથી સૌ મૂંગા મોઢે હા પાડી પેઢીની જેમ ચલાવવા ગંગામાં હાથ ધોઈ જે મળે તે ભેગું કરી રહ્યા છે. આ બધી ચર્ચા માત્ર ફતેપુરા જ નહિ સમગ્ર તાલુકામાં પણ ફેલાઇ ગઇ હોઈ હવે તો નેતાજીના સાથીમિત્રો પણ અકળાઈ ઉઠ્યા અને બીજા નેતાજીને લાવવા ઈચ્છુક બન્યા છે. હવે આ ઈચ્છા પૂરી કરવી છે પરંતુ મર્યાદા આડે આવતી હોવાથી નેતાજીને ધનપતિ બનવા જાણે મોકળું મેદાન મળી ગયું છે. આથી આગામી ન્યૂઝ રિપોર્ટમાં નેતાજીની અસલી આવક પણ શોધવા પ્રયત્ન કરીશું.