રીપોર્ટ@પાટણ: 'કલમો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી' ગેનીબેન ઠાકોરની પોલીસને ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં ભાજપ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે સર્જાયેલા શાહી વિવાદમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરએ પાટણ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસની મહિલાઓ સામે ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં તેમણે કલમો દૂર નહીં કરાય તો સમગ્ર ઉત્તર ગુજરાતના કાર્યકરો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.12 ઓક્ટોબરે પાટણમાં ભાજપ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું.
ભાજપ મહિલા મોરચાની નેતા પર શાહી ફેંકવાના આરોપસર કોંગ્રેસની મહિલા આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને અન્ય મહિલા આગેવાન સામે પોલીસે કાર્યવાહી કરી હતી. 13 ઓક્ટોબરે બંનેની જામીન અરજી નામંજૂર થયાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસની મહિલા કાર્યકરો સામે ખોટી રીતે ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી છે કે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે અથવા પોલીસ સમજે તે ભાષામાં આંદોલન કરવામાં આવશે. હવે આ વિવાદ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રહ્યો નથી, પરંતુ કોંગ્રેસ અને પોલીસ વચ્ચેનો બની ગયો છે.
આંદોલનમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ, ધારાસભ્ય દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને કાર્યકરોને જોડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કોંગ્રેસની માંગ છે કે મહિલા કાર્યકરો સામે લગાવવામાં આવેલી કથિત ખોટી કલમોની સમીક્ષા કરવામાં આવે. ગેનીબેન ઠાકોરે માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન બહાર ધરણાં કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ ભાજપ મહિલા મોરચાની ફરિયાદમાં શાહી ફેંકવા અને ગેરવર્તનના આરોપો મૂકવામાં આવ્યા છે.

