રીપોર્ટ@ગાંધીનગર: ધારાસભ્યના કવાર્ટસમાંથી યુવક યુવતી શંકાસ્પદ હાલતમાં ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં સેકટર 21માં આવેલ ધારાસભ્યના કવાર્ટસમાંથી એક યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપ્યા હતા, આ કવાર્ટર વાસંદના ધારાસભ્ય અનંત પટેલનું હોવાનું સામે આવ્યું છે અને તેમના પીએએ કપલને બેસવા માટે કવાર્ટર આપ્યું હોવાની વાત સામે આવી હતી, તો પોલીસે બન્ને લોકોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરીને છોડી મૂકયા છે.
ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, ધારાસભ્ય અનંત પટેલના કવાર્ટરમાં કોઈ યુવક-યુવતી રોકાયા છે જેને લઈ પોલીસે ત્યાં પહોંચી તપાસ કરી હતી અને યુવક-યુવતી મળી આવતા તેમની પૂછપરછ કરી હતી તો સામે આવ્યું કે બન્ને જણાની ભવિષ્યના સમયમાં સગાઈ થવાની છે, આ બાબતે સેકન્ડ પોલીસ ઈન્સ્પેકટરે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમનું નિવેદન નોંધીને તેમને છોડી મૂકવામાં આવ્યા છે, આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ બાબતને લઈ પોલીસનું કહેવું છે કે, યુવક અને યુવતી એકબીજાથી પરિચિત છે અને લાંબા સમયથી તેઓ સંપર્કમાં હોવાથી મળવા માટે ભેગા થયા હતા અને તેઓ ગાંધીનગરના રહેવાસી છે, તો યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે ત્યારે યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાની વાત સામે આવી છે, તો સામાન્ય રીતે ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા સત્ર અથવા તો કોઈ કામ માટે આવતા હોય છે ત્યારે તે આ કવાર્ટરનો ઉપયોગ રહેવા માટે કરતા હોય છે અથવા તો તેમના pa પણ આ કવાર્ટરમાં રહેતા હોય છે.

