રીપોર્ટ@ગાંધીનગર: ટાઈફોઈડના કેસોમાં મોટો ઉછાળો, સિવિલમાં બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જૂના સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં ટાઈફોઈડના કેસોમાં મોટો ઉછાળો આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધોરણે વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.પાટનગરમાં પ્રસરેલા આ રોગચાળામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 50 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. સૌથી દુખદ વાત કે, સારવાર લઈ રહેલા બાળકો પૈકી એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 18 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરના રોજ જ ગાંધીનગર મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમ છતાં, પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું અને કોઈ નક્કર પગલાં ન લેવાયા, જેનું પરિણામ આજે ગાંધીનગરની જનતા ભોગવી રહી છે.તપાસમાં સામે આવ્યું છે કે પાટનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 19 થી 20 જેટલી જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં લીકેજ છે.
આ લીકેજને કારણે ગટરનું ગંદુ પાણી પીવાની લાઈનમાં ભળી રહ્યું છે, જેના કારણે ટાઈફોઈડના કેસોમાં વિસ્ફોટક ઉછાળો આવ્યો છે. પાલિકાએ સમયસર આ લીકેજ બંધ કર્યા હોત, તો આજે સ્થિતિ આટલી ગંભીર ન હોત.સિવિલ હોસ્પિટલમાં હાલ યુદ્ધના ધોરણે સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 89 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, પરંતુ નવા કેસો આવવાનું સતત ચાલુ હોવાથી તબીબો પર પણ ભારણ વધ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

