રિપોર્ટ@ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર ખાતે આજે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ખાસ ઉપસ્થિત રહીને યાત્રામાં સહભાગી થઈને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગાંધીનગરના જાણીતા ગ-6 સર્કલ થી શરૂ કરીને 2 કિલોમીટર સુધી આ વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે હજારોની સંખ્યામાં નાગરિકો અને યુવાનો આ દેશભક્તિપૂર્ણ યાત્રામાં જોડાઈને વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, “આજની યુવા પેઢી દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા તમામ લડવૈયાઓ અને ક્રાંતિવીરો વિશે જાણે અને તેમના બલિદાનને યાદ કરે તે અત્યંત જરૂરી છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના દરેકમાં કેળવાય તે જ આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે.”મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણો તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ તે દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારાનો અમૂલ્ય સંદેશ પ્રસરાવે છે. સમગ્ર ગાંધીનગર શહેર આ યાત્રા દરમિયાન દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.

