રીપોર્ટ@ગાંધીનગર: વોર્ડ 11માં ચૂંટણી બહિષ્કારની જાહેરાત, અપક્ષ ઉમેદવારના પોસ્ટર ફાડ્યા

 
ચૂંટણી
નાગરિકોએ આગામી ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. બીજી બાજુ શંકરસિંહ વાઘેલાના નિવેદને રાજકીય રંગને વધુ ઘેરો કર્યો છે. ત્યારે શહેરમાં વોર્ડ નંબર 11ના નાગરિકોની ચૂંટણી બહિષ્કારની જાહેરાતથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી જવા પામી છે. ભાજપના અસંતુષ્ટો અને અપક્ષોને મનાવવા પ્રયાસો ચાલુ છે તેવામાં પોસ્ટરવોરની ઘટના પણ સામે આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 અંતર્ગત આવતી કોટેશ્વર સોસાયટી એસોસિએશનના નાગરિકોએ આગામી ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી છે.છેલ્લા 5 વર્ષથી વિસ્તારમાં રોડ,પાણી સહિતની પ્રાથમિક સમસ્યાઓ યથાવત હોવા છતાં કોર્પોરેટર ક્યારેય ફરક્યા ન હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોએ નિષ્ક્રિય કોર્પોરેટરનો વિકાસ નો વોટ ના નારા લગાવીને જ્યાં સુધી સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં મત ન આપવાનો મક્કમ નિર્ણય કર્યો છે. સોસાયટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભાજપના ઉમેદવારો અને નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકોને મનાવવા અને ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે અને પોસ્ટરવોર શરૂ થઈ ગયું છે. જેમાં મોડી રાત્રે સફેદ રંગની કારમાં આવેલા અજાણ્યા શખસો દ્વારા એક અપક્ષ ઉમેદવારના પ્રચાર બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના આધારે હવે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટર કોને અને કેમ ફાડ્યા તેની પણ ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. ભાજપના કેટલાક અસંતુષ્ટો અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા હોવાથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.