રિપોર્ટ@ગાંધીનગર: 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ

 
કૌભાંદ
અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુલસાણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ છે. જેમાં ભાજપના મોટાગજાના નેતાઓથી માંડીને બિલ્ડરોની જગજાહેર મીલીભગત છે. મહત્ત્વની વાત એ છે કે, સમગ્ર જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે. ત્યારે પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા જેલમાં છે, બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યાં છે. જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓને અધિકાર મળે તે માટે મુલસાણા ગામના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે, જે સરકાર આ મામલે ખેડૂતોને તેમનો હુક-જમીન નહીં આપે તો ગાંધીનગર તરફ કૂચ કરાશે. વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના પ્રતિનિધીમંડળે મુલસાણાની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂત પરિવારોની વ્યથા જાણી હતી.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એવો આરોપ મૂક્યો કે, 'ગુજરાતમાં ગૌચરો ઉપરાંત ખેડૂતો-ગણોતિયાઓની જમીનનો ભાજપના સત્તાધીશો વેપાર કરી રહ્યા છે. ગાયોની જમીનો મૂડીપતિઓને પધરાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે.' ત્યારે હવે રૂકજાઓ કહેવાનો સમય આવી ગયો છે.

એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, મુલાસણા જમીન કૌભાંડ પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે. તે આધારે જો જમીનને ફરી મૂળ સ્થિતિએ નહીં લવાય, ગણોતિયાઓને હક નહિ અપાય તો 'ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપો'ના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂત પરિવારો ઢોરઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે. એટલુ જ નહીં, વિધાનસભાએ પહોંચી ન્યાયની ગુહાર લગાવશે. અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના પ્રતિનિધીમંડળ સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોએ એવી હૈયાવરાળ ઠાલવી કે, પાંજરાપોળ ગૌચરોની જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ છે. જેથી અસલ ખેડૂત- ગણોતિયા પાયમાલ થયા છે. સરકારમાં તે અનેકવાર રજૂઆત કરી છતાંય કોઈ સાંભળતુ નથી. સરકાર પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.મુલસાણાના ખેડૂતોનું કહેવું છે કે, 'હવે બહુ થયું, ગાય અને હિંદુના નામે મત લીધા, સત્તા પર બેઠા હવે ગાયના મોંઢાની ચારો છીનવવાનું બંધ કરો, ગરીબ ખેડૂત-અન્નદાતાને તેનો હક આપો.