રીપોર્ટ@ગાંધીનગર: 7 ગામના લોકોનું સત્યાગ્રહ છાવણીમાં ભારે વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો

 
વિરોધ
પોસ્ટર અને બેનરો સાથે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 63 વર્ષથી કાયમી વસવાટના હક્ક માટે સંઘર્ષ કરી રહેલા પરિવારના વારસદારો દ્વારા હાલ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર સેક્ટર સાત પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે આ વારસદારોએ એકત્રિત થઈને સરકાર સામે પોતાની વર્ષોથી ચાલતી માંગણીઓ રજૂ કરી છે. આંદોલનમાં જોડાયેલા અંદાજિત સાત ગામના લોકોએ પોસ્ટર બેનરો સાથે દેખાવો કરીને હક માટેની લડત અંગે માંગ કરી રહ્યા છે.

ગાંધીનગરના ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરિજ અને ધોળાકુવા સહિતના સાત ગામના રહેવાસીઓએ પોતાની જમીન સરકારને સંપાદન તરીકે આપી હતી. જેઓ છેલ્લા 63 વર્ષથી કાયમી વસવાટના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં આજદિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી. જેથી તેઓએ આજે ગાંધીનગર સેક્ટર સાત ખાતે પોસ્ટર અને બેનરો સાથે ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું.આજે ગાંધીનગર ખાતે જે લોકો આંદોલન કરી રહ્યા છે, તે પરિવારોના વડીલોએ વર્ષો પહેલા ગાંધીનગર શહેરના વિકાસ માટે પોતાની જમીનને સંપાદન કરવા માટે સહમતિ દર્શાવી હતી, તે સમયે સરકારે તેમના વસવાટ અને કાયમી મકાનના હક્ક આપવાની ખાતરી આપવામાં આવી હતી.

પરંતુ હાલ પેઢી દર પેઢી બદલાઈ ગઈ હોવા છતાં આ વારસદારોને હજુ સુધી કાયમી વસવાટનો અધિકાર મળ્યો નથી કે તેઓને પોતાની સંપત્તિના પ્રોપર્ટી કાર્ડ પણ મળ્યા નથી.હાલ આ લોકો આવાસોમાં રહે છે. તે આવાસોને કાયમી દરજ્જો આપવામાં આવ્યો નથી. જેના કારણે તેઓ અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિમાં જીવન પસાર કરવા મજબૂર છે. જેથી તેઓએ હાલ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. ગાંધીનગરમાં આ આંદોલનમાં ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરિજ અને ધોળાકુવાના રહેવાસીઓ જોડાયા છે. આ તમામ વિસ્તારોના વારસદારો એકસૂરે માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની વર્ષોથી અટવાયેલી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરે અને કાયમી મકાન વસવાટના હક્ક આપે.હાલ આ આંદોલનકારીઓનું કહેવું છે કે, જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો તેઓ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.