રીપોર્ટ@ગાંધીનગર: PI પર કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપો, ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ
મોટી ભોંયણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પર કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, પોલીસ અધિકારી સત્તાધારી પક્ષના ઈશારે વિપક્ષના ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહ્યા છે.આ વિવાદ મોટી ભોંયણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને સર્જાયો છે.
કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, સાંતેજ PI દ્વારા મોટી ભોંયણના કોંગી ઉમેદવાર પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ઉમેદવારને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપને પગલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિશિથ વ્યાસની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને સાંતેજ PI સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. કોંગ્રેસે ચીમકી આપી છે કે, જો પોલીસ અધિકારીની જોહુકમી બંધ નહીં થાય, તો તેઓ ચૂંટણી પંચ સુધી આ મામલે રજૂઆત કરશે. કોંગ્રેસ નેતા નિશિથ વ્યાસે જણાવ્યું હતું કે, પોલીસ તટસ્થ રહીને કામ કરવાને બદલે ભાજપના એજન્ટની જેમ વર્તી રહી છે. અમારા ઉમેદવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાંતેજ PI જે રીતે મોટી ભોંયણના ઉમેદવારને ધમકાવી રહ્યા છે તે લોકશાહીની હત્યા સમાન છે.

