રિપોર્ટ@ગાંધીનગર: ગરબાના સમય વધારવાની વાતથી રાજકારણમાં ગરમાવો, 'ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું?'

 
હર્ષ સંગાવી

આપણે નિયમોનું પાલન કરવાનું છે. કોઈ પણ નિયમો ભંગ કરવાના નથી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવરાત્રિનો ઉત્સવ મનમુકીને માણી શકે એ માટે સરકાર દ્વારા મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને ખેલૈયાઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે રાજકારણ શરૂ થઈ ગયું છે. જેને લઈને હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.તેમણે જણાવ્યું કે, "મોડી રાત સુધી ગરબા રમવાની છૂટને લઈને અમુક લોકોને પેટમાં દુખે છે."માં અંબેની આરાધના કરવાના દિવસો એટલે નવરાત્રી. આ નવ દિવસો દરમિયાન મોડે સુધી લોકો ગરબા રમવાનો લ્હાવો લઈ શકે એ માટે સરકારે છૂટછાટ આપી છે. જેને લઈને રાજનીતિ તેજ થતાં હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે.

ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા હર્ષ સંઘવીએ કહ્યું કે, "ગુજરાતીઓ તેના ગરબાના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એટલે આપણે 5 વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુ:ખવા લાગ્યું છે. 'ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને અમારે ગરબા રમવાના?' ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા હતા. આ વર્ષે પણ રમીશું. પરંતુ આપણે નિયમોનું પાલન કરવાનું છે. કોઈ પણ નિયમો ભંગ કરવાના નથી.""આપણી સંસ્કૃતિનું પાલન કરીને માં અંબાની આરાધના કરવાની છે. ફાસ્ટ મ્યૂઝિક પર નહીં પરંતુ માંની આરાધના માટે ગરબા ગાવાના છે. કોઈ પણ પ્રકારનું ગેરવર્તન ન થાય અને કાયદાનું પાલન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે."

આ સાથે જ દરેક નાના વેપારીઓને પણ ધંધા રોજગાર મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તો બીજી તરફ હર્ષ સંઘવીના નિવેદન પર બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, "ગુજરાતમાં 12 વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતુ. આ નિર્ણય બરાબર નથી. માત્ર યુવાનોને ખુશ કરવા આ નિર્ણય લેવાયો છે. યુવાધનમાં બદી ન આવે તે જોવાની જવાબદારી આપણી છે. કારણ કે, ગૃહખાતુ કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી." ગરબાના સમય વધારવાની વાતથી ગરમાવો જામ્યો છે.