ઘટના@ગિરનાર: અસામાજિક તત્ત્વોએ ગોરખનાથના મંદિરમાં મૂર્તિની તોડફોડ કરી, ભાવિ ભક્તોમાં રોષ ભભુક્યો

 
ઘટના
મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગિરનારના ગોરખનાથ મંદિરમાં મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખસો દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી ભાવિ ભક્તોમાં રોષ ભભુક્યો છે અને પ્રતિમાની તોડફોડ કરનાર સામે કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.સમગ્ર બાબતે શેરનાથ બાપુએ જણાવ્યું કે, ગિરનાર પર 5500 પગથિયા ઉફર ગિરનાર ગોરખનાથનું મંદિર આવેલું છે.

આજે (5 ઓક્ટોબર) વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં મૂર્તિ તોડનાર અસામાજિક તત્ત્વોએ સૌથી પહેલાં પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જ્યારે ઘોંઘાટ થયો તો અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 માણસો તેમણે ભાગતા જોયા. તેમણે જણાવ્યું કે, આ અજાણ્યા શખસોએ ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં નીચે ફેંકી દીધી હતી. ખંડિત મૂર્તિ મળી ગઈ છે. કોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છે. તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય મૂર્તિ ખંડિત કરનાર સામે અસામાજિક તત્ત્વોને શોધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરવામાં આવી રહી છે.