રીપોર્ટ@ગીરસોમનાથ: ગાંગડા ગામે પૂર આવતા નદીના પાણી ઘરમાં ઘૂસ્યા, 254 લોકોનું રેસ્ક્યૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. જેમાં ગાંગડા ગામે પૂર આવતા નદીના પાણી લોકોમાં ઘરમાં ઘૂસ્યા હતા. આ સ્થિતિમાં પાણીમાં ફસાયેલા 250 જેટલાં લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઉના તાલુકાના સામતેર ગામે અતિ વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અતિભારે વરસાદી સ્થિતિમાં ગીર સોમનાથના ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી 250 જેટલાં લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગાંગડા ગામે ગત રાતના આશરે 1 વાગ્યે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલી રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે 250 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસ્ક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા 115 જેટલાં વ્યકતિઓને રહેવા, જમવા તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉના તાલુકાના સામતેર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટી તંત્ર અને એસ.ડી.આર.એફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા-સુલતાનપુર ખાતે શિફટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી 5 થી 6 બોટ અને 2-3 નાની હોડીઓ સમુદ્રમાં તણાઈ હતી. તણાઈ ગયેલી બોટમાંથી એક બોટમાં 4 માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતા.

