રિપોર્ટ@ગુજરાત: ABVPના વિરોધ બાદ ગુજરાત યુનિ.ના 10 હોદ્દેદારો સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો
યુનિવર્સિટી તંત્ર દ્વારા એક મોટો અને સખત નિર્ણય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત યુનિવર્સિટીમાં ખોટી ભરતી અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલન અને વિદ્યાર્થી સંગઠનના ભારે દબાણ બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા એક મોટો અને સખત નિર્ણય લેવામાં આવ્યો છે.તપાસની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય અને નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે યુનિવર્સિટીના કુલ 10 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે આ શિક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા મુખ્ય અધિકારીઓ અને હોદ્દેદારોમાં શ્રીનવાસ રાવ, માનસિંગ રાજોરા, બિશ્વજીત અધિકારી, દિનેશ કુમાર, પાવન પંડિત અને ચંદ્રશેખર ઝા સહિતના અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે, અને તપાસની કામગીરી પ્રભાવિત ન થાય કે કોઈ દબાણ ન રહે તે હેતુસર આ હોદ્દેદારોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
અગાઉ ABVP દ્વારા યુનિવર્સિટીમાં ચાલતી અનિયમિતતાઓ અને ખોટી ભરતીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી, જેને પગલે હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે પોતાના શાસનકાળ દરમિયાન નિયમો અને ધારાધોરણોને નેવે મૂકીને મનસ્વી રીતે મળતિયાઓની ભરતી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સરકારી ભંડોળમાંથી ચોક્કસ વ્યક્તિઓને નિયત ધારાધોરણો કરતાં અનેક ગણો વધુ પગાર ચૂકવીને નાણાંની છૂટ્ટા હાથે લ્હાણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની તિજોરીને મોટું નુકસાન પહોંચાડીને ભંડોળનો પૂર્વ આયોજિત દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

