રિપોર્ટ@ગુજરાત: આ તાલુકામાં 4 દિવસમાં 12નાં મોતથી હડકંપ, શંકાસ્પદ તાવ જીવલેણ બનતા તંત્ર દોડતું થયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 12 વ્યક્તિઓના 4 દિવસમાં મોત થતાં અને અન્ય લોકો તાવમાં પટકાયા હોવાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. જો કે, સ્થાનિકે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ અંગે અલગ - અલગ રિપોર્ટ અને કારણ હોવાની પ્રાથમિક વિગતો હોવાનું તંત્ર અંદરખાને કહે છે.
લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી કહે છે કે, મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે. પાન્ધ્રોથી જિ.પં. સભ્ય મીનાબા દેશુભા જાડેજા અને તેમના પતિ લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન દેશુભાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની તાજેતરની મુલાકાત વખતે રૂબરૂ રજૂઆત બાદ આજે લેખિતથી વિગતો મોકલી હતી.
આજે લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘનો સંપર્ક કરતાં તેમણે તાવ ન્યુમોનિયા છે તે કન્ફર્મ કરવા મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે તેના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના કારણ અને તારણ ઉપર નિશ્ચિતપણે આવી શકાશે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત જિ.પં. સભ્ય દ્વારા રાજ્યના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય તંત્રનું પણ ઘ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઈ હોવાનું જણાવાયું હતું. તેમણે લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલીભાઈ જત સહિતની ટીમ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હોવાનું ઉમેર્યું હતું.