રીપોર્ટ@ગુજરાત: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, રાજ્યમાં 'શકિત' વાવાઝોડાનો ખતરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરબ સાગરમાં સર્જાયેલા સંભવિત 'શક્તિ' વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આ વાવાઝોડું 6 ઓક્ટોબરે પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. 'શક્તિ' વાવાઝોડું રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર સીધું ટકરાય તેવી આશંકા છે.
'શક્તિ' વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દિશામાં આશરે 600 કિલોમીટર દૂર અરબ સાગરમાં છે અને પ્રતિ કલાક 12 કિ.મી ઝડપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. દિશા બદલવાની આગાહીને કારણે સંભવિત અસરવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. તમામ માછીમારોને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે તેઓ દરિયો ન ખેડે અને કિનારે પાછા ફરે. ઓખા, સલાયા અને રૂપેણ જેવા મુખ્ય બંદરો પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે, જેનો અર્થ છે કે બંદર પર સામાન્ય તોફાનની સંભાવના છે.
વાવાઝોડાની સંભવિત અસરના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના દરિયામાં સ્થિતિ બદલાઈ છે. દરિયામાં હાલમાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જે ભયજનક દ્રશ્યો સર્જી રહ્યા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને દ્વારકા આવતા પ્રવાસીઓ માટે ગોમતી નદીના સંગમસ્થળ કે દરિયામાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોમતી નદીના ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર તરફના વિસ્તારમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.