રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદથી 27,856 લોકોનું સ્થળાંતર, 22 ડેમ હાઈ એલર્ટ પર

 
ડેમ
રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં પૂરની સ્થિતિમાં અત્યારસુધીમાં 27856 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે શનિવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ અને કચ્છ-ઉત્તર ગુજરાત સહિતના કુલ 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વરસાદની વર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગની ચેતવણીને પગલે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ એમ કુલ 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ સહિતના અન્ય 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.બચાવ અને રાહત કામગીરીને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા 17 NDRFની ટીમો, 33 SDRFની પ્લાટુન અને 6 આર્મીની ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે.

વરસાદી પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મોટાપાયે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં કુલ 27856 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લામાંથી 11590 અને સુરતમાંથી 11179 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા કુલ 53 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમાં છોટા ઉદેપુરમાંથી સૌથી વધુ 31 લોકોને બચાવાયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં 22 ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાંથી 15 ડેમ 100% કે તેથી વધુ ભરાઈ ચૂક્યા છે. જ્યારે 8 ડેમ એલર્ટ પર અને 11 વોર્નિંગ લેવલ પર છે.