રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 3 નવા જિલ્લા થઈ શકે છે જાહેર, જાણો કયા વિસ્તારોના નામ છે ચર્ચામાં?
કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે. નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે. આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે.
ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે. સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે.થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.
રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી. એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.