રિપોર્ટ@ગુજરાત: હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 પોલીસકર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ત્રણ પોલીસકર્મી પોક્સોના ગુનાની તપાસ માટે પંજાબ જતા હતા. જ્યાં બુધવારે હરિયાણાના ડબવાલી ખાતે ભારતમાલા રોડ ઉપર પોલીસને બોલેરો અને ટ્રક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીના ઘટનાસ્થળ જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પીએઆઇ, જે.પી.સોલંકીને ગંભીર ઇજાઓ થઇ હતી હાલમાં તે સારવાર હેઠળ છે.
આ ત્રણેય મૃતકના પાર્થિવ દેહને અમદાવાદમાં લાવવામાં આવ્યાં હતાં અને પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ પાર્થિવ દેહને તેઓના ઘરે લઈ જવામાં આવ્યાં હતાં.મૃતક પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તાપી ખાતે લઈ જવામાં આવ્યો છે. તાપી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા. આ ઉપરાંત ડ્રાઇવર ઘનશ્યામ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રીયના પાર્થિવ દેહને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવાયા છે. બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.