રિપોર્ટ@ગુજરાત: શંકાસ્પદ ચાંદીપુરાથી એક જ અઠવાડિયામાં 48 બાળકો બન્યા ભોગ, કુલ 133 કેસ
સાબરકાંઠામાંથી સૌથી વઘુ 6 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલાં વિવિધ દાવાઓ પોકળ થતાં જણાય છે. શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને હવે 48 થઇ ગયો છે. 19 જુલાઇના રોજ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 20 હતો. જોકે છેલ્લા એક જ સપ્તાહમાં ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક બમણાથી વધારે થયો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 127 કેસ છે. જેમાં સાબરકાંઠાના 12, અરવલ્લી-મહેસાણાના 7, મહીસાગર- છોટા ઉદેપુર- નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનના 2, ગાંધીનગર ગ્રામ્ય-ખેડા-જામનગર-વડોદરાના 6, રાજકોટ- સુરેન્દ્રનગર- મોરબી- બનાસકાંઠાના 5, અમદાવાદ કોર્પોરેશનના 12, પંચમહાલના 15, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચના 3, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ ગ્રામ્ય-જામનગરના 1, રાજકોટ કોર્પોરેશનના 4 કેસનો સમાવેશ થાય છે. હાલ ચાંદીપુરાના કુલ 39 પોઝિટિવ કેસ છે જ્યારે અન્યના રીપોર્ટ હજુ આવવાની રાહ જોવાઇ રહી છે. સાબરકાંઠામાંથી સૌથી વઘુ 6 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે.
શંકાસ્પદ ચાંદીપુરાના 127 કેસ પૈકી પંચમહાલમાંથી 6, અમદાવાદ કોર્પોરેશનમાંથી પાંચના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 42 દર્દી દાખલ છે અને 37ને રજા અપાઇ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. ચાંદીપુરાના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે.