રીપોર્ટ@ગુજરાત: 'આપ'ના કાર્યકર્તાઓનો રસ્તાની વચ્ચે 'સમાધિ' લઈને અનોખો વિરોધ, જાણો સમગ્ર મામલો

 
વિરોધ
હાથમાં "શરમ કરો, શરમ કરો"ના બેનરો સાથે આક્રોશ ઠાલવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોરાજીમાં જૂનાગઢ રોડ પર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા લાંબા સમયથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ વિલંબને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોની હાલાકીનો અંત આવતો નથી. આજે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેદાનમાં ઉતરી સરકાર અને તંત્ર વિરુદ્ધ મોરચો માંડી હોબાળો કર્યો હતો. 'આપ'ના કાર્યકર્તાઓએ માત્ર સૂત્રોચ્ચાર જ નહીં, પરંતુ રસ્તાની વચ્ચે 'સમાધિ' લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

હાથમાં "શરમ કરો, શરમ કરો"ના બેનરો સાથે કાર્યકર્તાઓએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની નિષ્ફળતા પર આક્રોશ ઠાલવ્યો હતો.આ વિરોધને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તો ખુલ્લો કરાવવા દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.