રીપોર્ટ@ગુજરાત: નર્મદામાં હાર બાદ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર કર્યા ગંભીર પ્રહારો

 
મનસુખ વસવા
AAPએ આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અપેક્ષિત સફળતા ન મળતા તેમણે વિરોધ પક્ષો, ખાસ કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

તેઓએ જણાવ્યું કે, નર્મદામાં ભાજપની હાર પાછળ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલો નકારાત્મક પ્રચાર જવાબદાર છે. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “AAP તો માત્ર એક મહોરું છે, તેની પાછળ અન્ય બાહ્ય પરિબળો કામ કરી રહ્યા છે જે ભાજપની મજબૂત પકડ તોડવા માંગે છે.”વધુમાં તેમણે ચૈતર વસાવાની અગાઉની જીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે પણ વિરોધી પરિબળો અત્યંત સક્રિય હતા. ચૂંટણીમાં આદિવાસીઓના હિતોની વાત કરવાને બદલે ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો. આગામી સમયમાં ભાજપ આ હારના કારણોનું વિશ્લેષણ કરી ફરીથી જનતા વચ્ચે જશે અને નેગેટિવ પોલિટિક્સનો જડબાતોડ જવાબ આપશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.