રીપોર્ટ@ગુજરાત: નવા મંત્રીમંડળ બાદ લાભપાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખુ જાહેર થાય તેવી શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવા મંત્રીમંડળના પુનઃગઠન બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં પણ ધરખમ ફેરફાર આવી રહ્યાં છે. લાભપાંચમ બાદ ભાજપ પ્રદેશનું નવું માળખુ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં હાઇકમાન્ડનું તેડુ આવતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દિલ્હી દોડ્યા હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે યોજાયેલી બેઠકમાં નવા મંત્રીઓ ઉપરાંત પ્રદેશના નવા માળખાને લઇને પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે ગુજરાતનો પ્રવાસ શરૂ કરી કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો છે. સાથે સાથે ઝોન વાઇઝ જાહેરસભા યોજવાનું શરૂ કર્યું છે.
આગામી મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે નવી ટીમને આખરી ઓપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે. પક્ષ માટે ઘસાતા પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયુ છે. જૂના જોગીઓના અનુભવની સાથે યુવાઓને જોડી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરાઇ છે ત્યારે હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં કેટલાંક નેતાઓની વાપસી થઈ શકે છે તો કેટલાંકને વિલા મોઢે વિદાય લેવી પડી શકે છે. અત્યારે કોને તક મળશે અને કોનુ પત્તુ કપાશે તેની અટકળો વચ્ચે પ્રદેશ માળખુ જાહેર થાય તેવી કાગડોળે રાહ જોવાઇ રહી છે.