રિપોર્ટ@ગુજરાત: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાપાલિકાનું તંત્ર જાગ્યું, પૂણામાં સ્કૂલને સીલ કરાતાં મચ્યો હોબાળો

 
સીલ
નાલંદા વિદ્યાલયને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાપાલિકાનું તંત્ર જાગ્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં સીલિંગની કામગીરી ચાલી રહી છે. આજે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક સ્કૂલને સીલ કરતા ભારે હોબાળો થયો છે. સુરતમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પૂર્ણા વિસ્તારની એક ખાનગી સ્કૂલને પાલિકાએ સીલ કરી છે, જેને કારણે હોબાળો થયો છે.

પુણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે તેના વિરોધમાં પુણાગામ ખાનગી સ્કૂલ સંચાલક મંડળે વિરોધ કર્યો છે. સુરત પાલિકાએ કોઈ પણ જાતની સૂચના વિના સ્કૂલો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે તે યોગ્ય નથી તેઓ આક્ષેપ કરાયો છે. સંચાલકો જણાવે છે કે રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને આ કામગીરી કરી રહ્યું છે, પરંતુ શાળામાં કામગીરી માટે સમય આપવો જોઈએ. શાળાને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે, એટલે તમામ સુવિધા ઉભી કરી છે અને ફાયર એનઓસી હોવા છતાં પણ સીલીંગની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.