રિપોર્ટ@ગુજરાત: બે મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો, ફરી જામશે ચૂંટણીનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. શહેરી વિકાસ વિભાગે 27 ટકા ઓબીસી બેઠકોને અનુરૂપ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે, જ્યારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે. જાહેરનામા પછી વાંઘા-સૂચનો માટે એક મહિનાની પ્રક્રિયા ચાલશે, ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરશે.
મુદ્દત વિતી ગઇ હોય તેવી પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજવા માટેની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.રાજ્ય સરકારે તાજેતરમાં જ રાજ્ય ચૂંટણી પંચમાં ઓએસડી તરીકે આઇએએસ અધિકારી ડો. મુરલી ક્રિશ્નાની નિયુક્તિ કરી છે. આ નોટિફિકેશનના આધારે હવે રાજ્ય ચૂંટણી પંચ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે. કરશે
સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી કેટેગરીની 27 ટકા અનામત સાથે નગરપાલિકાઓમાં નવી વોર્ડરચના પણ જોવા મળશે. હવે પછીની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને 14 ટકા એસટી અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો રહેશે. ઓક્ટોબરના મધ્ય સુધીમાં અનામતની પ્રક્રિયા પૂર્ણ થશે તેવું પંચના અધિકારીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં બે વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન છે.