રિપોર્ટ@ગુજરાત: ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર, એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ કાશ્મીરના થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જવાબ આપી દીધો છે. આ હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના કચ્છમાં એલર્ટ અપાયું છે. રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. કચ્છ બોર્ડર પર એલર્ટ આપી દેવાયું છે. ભુજ એરપોર્ટ બંધ કરાયું છે અને ત્યાંથી તમામ ફ્લાઈટ પણ રદ કરાઈ છે. ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટ પણ રદ કરાઈ છે.
રાજ્યના એરફોર્સ બેઝ અને સીમાઓ પર સેના એલર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ એરપોર્ટ પર પણ વિમાનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. આ એર સ્ટ્રાઈક બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ લોકોમાં ખુશી જોવા મળી છે. લોકો ત્રણેય સેનાની કામગીરીને સલામ કરી રહ્યાં છે. લોકોએ કહ્યું હતુ કે, સેનાએ એરસ્ટ્રાઈકથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. PM મોદીએ સાચા અર્થમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એકપણ આતંકી જીવતો ન રહેવો જોઈએ. સુરતમાં પણ ઈન્ડિયન આર્મી ઝિંદાબાદના નારા લાગ્યા હતાં. લોકોએ એવું પણ કહ્યું હતું કે, ભારતીય મહિલાઓના સિંદૂર ઉજાડનારને જવાબ મળ્યો છે.