રીપોર્ટ@ગુજરાત: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાશે, ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

 
બેઠક
નેશનલ હાઈવેના અનેક પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ આધુનિક અને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ખાસ કરીને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોમાં ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. બેઠકમાં આ પ્રોજેક્ટને રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો.બેઠક દરમિયાન વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48, મોરબી–સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્ય સરકારને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ નેશનલ હાઈવેના નવા અને પ્રગતિમાં રહેલા કામો માટે ત્વરિત દરખાસ્તો મોકલવા અનુરોધ કર્યો હતો, જેથી વિકાસકાર્યોને વધુ ગતિ મળી શકે. રોડના DPR તૈયાર થતી વખતે જમીન સંપાદનની પ્રક્રિયા સરળ બનાવવા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત સરકારના મોડલની ગડકરીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મોડલ સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની શકે છે.