રિપોર્ટ@ગુજરાત: PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, ખોટા દસ્તાવેજ હશે તો ઘડીભરમાં જ પકડાઇ જશે

 
કૌભાંડ
અધિકારીઓ, ડોક્ટરો, હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી આખુય કૌભાંડ થયુ છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઇ છે. હવે પીએમજેએવાય યોજનામાં ગેરરીતી અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની  સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો ઘડીભરમાં જ પકડાઇ જશે. પીએમજેએવાય યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહી છે કેમ કે, ગરીબ દર્દીઓની સારવારના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવી રહ્યાં છે.

ખ્યાતિકાંડ બાદ આ બધીય વાત બહાર આવી છે. દર્દીઓને જરૂર ન હોય છતાંય બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખીને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યાં હતાં. 4 હજારથી વધુ ઓપરેશન કરીને લાખો કરોડો રૂપિયા મેળવ્યા હતાં. ગુજરાતમાં હાલ રૂ. 62 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ધારકો છે જે પીએમજેએવાય યોજના અંતર્ગત હૃદયરોગ, કેન્સર સહિત વિવિધ બિમારીઓમાં રૂા.10 લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે.  હાલ ગુજરાતમાં પીએમજેએવાય યોજનાની કામગીરી મેન્યુઅલી થઇ રહી છે જેના કારણે ગેરરીતી થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડોક્ટરો, હોસ્પિટલ સંચાલકોની મીલીભગતથી આખુય કૌભાંડ થયુ છે ત્યારે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. 

હવે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવા નક્કી કરાયુ છે જેથી ખોટા ડોક્યૂમેન્ટ હશે, અધુરા ડોક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઇ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઇ જશે. દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. લોકસભામાં આ મુદ્દો ઉઠ્યો ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગનું કહેવુ છેકે, દર્દીની સારવારનો ઇન્કાર કરાયો હોય, હોસ્પિટલમાં દવા ઉપલબ્ધ ન હોય, દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય છતાં પૈસા લેવાયા હોય.આ ઉપરાંત અન્ય મુદ્દે દેશભરમાંથી કુલ મળીને 18,184 ફરિયાદો મળી છે. રાજ્ય આરોગ્ય વિભાગ પીએમજેવાયએ યોજના અંતર્ગત વિવિધ રોગની સારવારની અલાયદી માર્ગદર્શિકા પણ ઘડવા જઇ રહ્યુ છે.