રિપોર્ટ@ગુજરાત: સરસ્વતી સાધના યોજનામાં 8.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના 14થી વધુ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે. ભંગાર અવસ્થામાં સાયકલો પડી રહી છે તેમ છતાંય સરકારે નવી સાયકલો ખરીદવા ટેન્ડર બહાર પાડવા તૈયારીઓ આદરી છે. ભાજપ સરકારમાં વધુ સ્કીમ જાણે સ્કેમ બની ગઈ હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યુ છે. સરસ્વતી સાધના યોજનામાં સાયકલ ખરીદીમાં 85 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર મામલે તપાસની ફાઈલ અભરાઈએ ચડાવી દીધી છે કેમકે, તપાસનો રેલો ઘણાં ઉચ્ચ અધિકારી-નેતાઓના પગતળે આવે તેવી સંભાવના છે.વર્ષ 2023-24માં એસ.સી, એસ.ટી. અને ઓ.બી.સી સમાજની ગરીબ દીકરીઓને જૂન-2023માં સાયકલ આપવાનું નક્કી કરાયુ હતું. પરંતુ આખી પ્રક્રિયા વિલંબથી થઈ કેમકે, સાયકલ ખરીદીના ટેન્ડરમાં પણ વિલંબ થયો હતો. તેનું કારણ એ હતુ કે, માનીતી કંપનીઓન કોન્ટ્રાક્ટ અપાવવા ટેન્ડરના નિયમોમાં ખાસ ફેરફાર કરાયા હતાં. એ તો, ઠીક પણ અન્ય રાજ્ય કરતા 500 રૂપિયા વધુ ચૂકવી જે તે કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરાયુ હતું.
કુલ મળીને 1.70 લાખ સાયકલ ખરીદી કરવામાં આવી હતી. સાયકલ દીઠ 500 ગણવામાં આવે તો, રાજ્ય સરકારે સાયકલ કંપનીને 8.50 કરોડ રૂપિયા વધુ કેમ ચૂકવ્યાં તે સમજાતુ નથી. મહત્ત્વની વાત છે, એપ્રિલ 2024માં સાયકલની ડીલીવરી થઈ ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવત્તાની ચકાસણી કરાઈ ત્યારે સ્પષ્ટ માલુમ થાય છે કે, સાયકલો હલકી ગુણવત્તા જ નહીં, સ્પેસીફીકેશન મુજબ ન હતી. આ ઉપરાંત આઈએસઆઈ માર્કના ધોરણો પર પરિપૂર્ણ કર્યા ન હતાં. ટેન્ડરની શરતોનો ધરાર ઉલ્લંઘન છતાંય સાયકલ ખરીદી કરાઈ હતી.
બીડ રદ કરવા પત્ર લખાયો છતાં સરકારે બીડ રદ ન કરી એજ કંપનીને સાયકલનો ઓર્ડર આપ્યો હતો. અંકલેશ્વર, ખેડા, છોટા ઉદેપુર, ધાનેરા, વડોદરા, નર્મદા, રાજપીપળા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, ભરૂચ, ઉના, ગીર સોમનાથ, પંચમહાલ, મોરબી, મહુધા સહિત અન્ય જિલ્લામાં હજારો સાયકલ વિતરણ વિના ભંગાર અવસ્થામાં પડી રહી છે. ત્યારે આ જ સાયકલોને રંગરોગાન કરીને લાભાર્થીઓનો પધરાવી દેવા સરકારે જ કારસો રચ્યો છે. શૈક્ષણિક વર્ષ શરૂ થયું એ વાતનો આજે ચાર મહિનાથી વધુ સમય વિત્યો છે. હજુ દિકરીઓને સાયકલો મળી નથી. તેમણે માંગ કરી કે, સાયકલોની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ. જો ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થયું હોય તો, સાયકલની કંપની જ નહીં, જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ.