રીપોર્ટ@ગુજરાત: અંબાજી રોપ-વે અને 51 શક્તિપીઠ પરિક્રમા કાલથી બંધ, જાણો કારણ

 
Ambaji
યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે રોપ-વે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે. યાત્રાળુઓના દર્શનપથ, 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે. યાત્રિકોના અવર-જવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ તથા પરિક્રમા માર્ગમાં મધપૂડા ઉડવાના કારણે હાલમાં યાત્રાળુઓને તકલીફ ઉત્પન્ન થયેલ છે.

યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોય ગબ્બર ખાતે મધમાખી દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે. આગામી તા.15/04/થી તા.17/04/ સુધી મધપૂડા ઉડાડવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ ગબ્બર ટોચ ખાતે દર્શન, 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન તથા રોપ-વેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેથી આ સમયગાળા દરમિયાન ગબ્બર ટોચ, 51 શક્તિપીઠ પરિક્રમા ખાતે દર્શન તથા રોપ-વે સુવિધા યાત્રાળુઓ માટે બંધ રહેશે. તા.18/04/થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપ- વેની સુવિધા શરૂ કરવામાં આવશે.