રીપોર્ટ@ગુજરાત: ગેસની અછત વચ્ચે 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પહોંચ્યું

 
જહાજ
બીજું જહાજ 'નંદા દેવી' 17 માર્ચે કંડલા બંદરે પહોંચશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં LPG સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં LPG કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી નીકળ્યા બાદ આજે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે. ઈઝરાયેલ-ઈરાન વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષ અને મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ભરેલું ભારતીય જહાજ 'શિવાલિક' સોમવાર સાંજે 5 વાગ્યે મુન્દ્રા પોર્ટ સહીસલામત પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થઈને આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે આવતા દેશમાં રાંધણ ગેસના પુરવઠાની ચિંતા હળવી થઈ છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ અને ગેસનો વેપાર શક્ય બને છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યારબાદ તેહરાન દ્વારા અપાયેલી વળતી પ્રહારની ધમકીને કારણે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર જોખમી બની હતી. ઈરાને આ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને ચેતવણી આપી હતી, જેના કારણે વૈશ્વિક ટેન્કર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

ઈરાની સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા ગેસ કેરિયર્સ 'શિવાલિક' અને 'નંદા દેવી'ને પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ બંને જહાજો કુલ 92,700 મેટ્રિક ટન LPG ભારત લાવી રહ્યા છે. જેમાંથી 'શિવાલિક' જહાજ આજે મુન્દ્રા પહોંચી ગયું છે, જ્યારે બીજું જહાજ 'નંદા દેવી' 17 માર્ચે કંડલા બંદરે પહોંચવાની અપેક્ષા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ જહાજોના આગમનથી ભારતના ઘરેલું અને વ્યવસાયિક LPG વિતરણ નેટવર્કને મોટો ટેકો મળશે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજદ્વારી ચેનલો દ્વારા દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવા માટે સંકલન સાધવામાં આવી રહ્યું છે.મુન્દ્રા પોર્ટ પર જહાજ લાંગર્યા બાદ તરત જ ગેસ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.